Sunday, March 13, 2011

Tarahi Mushayro

તરહી મુશાયરો
કવિ, હાસ્યકાર, નવલકથાકાર, કટારલેખક, કાર્ટુનિસ્ટ, નાટ્યકાર શ્રી નિર્મિશ ઠાકરની જન્મતારીખ તા. 18મી માર્ચના રોજ છે. એ નિમિત્તે સાહિત્ય સંગમ અને નર્મદ સાહિત્ય સભા દ્વારા તરહી મુશાયરાનું આયોજન તા. 13મી માર્ચના રવિવારે થયું હતું. જેમાં નયન હ. દેસાઈ, બકુલેશ દેસાઈ, કિરણસિંહ ચૌહાણ, દિલીપ મોદી, ગૌરાંગ ઠાકર, જનક નાયક, યામિની વ્યાસ, રમેશ પટેલ, પ્રજ્ઞા વશી, દિલીપ ઘાસવાલા, કિશોર મોદી, મહેશ દાવડકર, વિવેક મનહર ટેલર, સ્મિતા પારેખ, ડો. પ્રફુલ્લ દેસાઈએ શ્રી નિર્મિશ ઠાકરની ગઝલપંક્તિ પરથી ગઝલો રજુ કરી હતી. રીટા ત્રિવેદી અને ભાગ્યેન્દ્ર પટેલે પણ પોતાની કૃતિ મોકલી હતી. શ્રી નયન હ. દેસાઈએ કહ્યું હતું કે કવિ સમાજને શણગારે છે. શ્રી નિર્મિશ ઠાકરે જણાવ્યું હતું કે, સાહિત્યમાં સ્પર્ધાનો ભાવ હોવો જ જોઈએ. ભાષા વિશે બોલતા કહ્યું કે, ભાષા કદી ડૂબતી નથી, હા એ રૂપ બદલે છે ખરી. શ્રી નાનુભાઈ નાયકે જણાવ્યું કે સમાજની વેદના સમજી શકે તે જ સાચો કવિ. શ્રી જનક નાયકે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
નઝમ
નયન હ. દેસાઈ
શબ્દના તો સૌ પ્રવાસી હોય છે
અર્થની પાસે ઉદાસી હોય છે.
આમ તો ટોળું બનાવી જીવવું
જખ્મ જે પામ્યા સજાવી જીવવું
હાસ્યનું મોઢું ચઢાવી જીવવું
વાત જો સમજો જરાસી હોય છે
અર્થની પાસે ઉદાસી હોય છે.
ક્યાં કશું બોલી શકે છે દર્પણો ?
દિલ કદી ખોલી શકે છે દર્પણો ?
મૌન બસ ઓઢી શકે છે દર્પણો
ભીડમાં એકાંતવાસી હોય છે
અર્થની પાસે ઉદાસી હોય છે.
પાન પાસે જઈ પવન નર્તક બને
મૌન પાસે જઈ હ્રદય ભરચક બને
શબ્દ પાસે જઈ કોઈ સર્જક બને
એ જ જેની આંખ પ્યાસી હોય છે
અર્થની પાસે ઉદાસી હોય છે.
અધૂરી છે
બકુલેશ દેસાઈ
આદરી છે અને અધૂરી છે
જાતની જાતરા ક્યાં પૂરી છે ?
જીવવા યાદ બહુ જરૂરી છે
એટલે મેં સતત વલૂરી છે
રાહ જોવામાં શૂરીપૂરી છે
મારી આંખો ગજબની નૂરી છે
ધૂળ શ્રદ્ધા અને સબૂરી છે ?
લાગે છે – ભીરુતા ઢબૂરી છે
ભાવ સમભાવ ધ્યેય નહિ હો તો
જિંદગી કૈં નથી મજૂરી છે
ખાસ મિત્રો છે મોટી દહેશત છે
રામ મુખ બગલમાં છૂરી છે
એકમાર્ગી નથી હ્રદય મારું
ચાહ પામ્યો તો ચાહ સ્ફૂરી છે
અધવચાળે મૂલવણી શા માટે ?
વાત પૂરી નથી અધૂરી છે.
જેવી છે
કિરણસિંહ ચૌહાણ
સ્થિતિ જ્યાં મોહભંગ જેવી છે,
ત્યાં ઉદાસી ઉમંગ જેવી છે.
કોઇ કાંટાળા સંગ જેવી છે,
મિત્રતા ક્યાંક જંગ જેવી છે.
હારવાની અણીએ છું ત્યારે,
તારી મુસ્કાન વ્યંગ જેવી છે.
મારી તો દોસ્ત આખી આ દુનિયા,
તારી આંખોના રંગ જેવી છે.
લાગણી ચાલવામાં તો ઠીક છે,
ઊડવામાં અપંગ જેવી છે.
દોર કોઈના હાથમાં કાયમ,
જિંદગી યે પતંગ જેવી છે.

જેવી છે

ગૌરાંગ ઠાકર
આ ખુશી તો અપંગ જેવી છે,
પણ ઉદાસી સળંગ જેવી છે.
હાથમાં આપની હથેળી તો,
જાણે વીંટીમાં નંગ જેવી છે.
ઘાવ મારાં ને આંસુ એનાં છે,
મા તો દીકરાના અંગ જેવી છે.
ખુદને મળવા જવાની ઘટના તો,
દોસ્ત ઘરના પ્રસંગ જેવી છે.
ચાંદ તારા વગરની સૂની રાત,
કોઇ ખાલી પલંગ જેવી છે.
જિંદગી આમ તો બીજું શું છે ?
વ્યંગ કાવ્યોના રંગ જેવી છે.

પીરમાં

જનક નાયક
શબ્દને સ્થાપી શકું છું તીરમાં,
મૌન પડઘાયા કરે છે પીરમાં.
અર્થ તો બદલાય છે કાયમ અહીં,
માણસો વ્હેતાં રહે છે નીરમાં.
માનવી ક્યાં કોઇને લાગ્યો સરળ ?
એ ઉકેલાયો પછી તસ્વીરમાં.
કાળ સાથે દોડતાં હાંફી ગયા,
ખુદને બાંધી દો હવે જંજીરમાં.
મન સતત અવઢવમાં ફફડે એટલે,
જિંદગી બસ કેદ થઇ તકદીરમાં.
એક સાથે દસ ચહેરાનો ‘જનક’,
રામ જેવો લાગું હું ગંભીરમાં.

કપૂરી છે

યામિની વ્યાસ
વાત પૂરી નથી, અધૂરી છે,
તોય મનને જરા સબૂરી છે.
વેદના કેટલી મધુરી છે !
સાવ પાસે છતાંય દૂરી છે.
આવશે આપણો વખત સારો,
એમ ઈચ્છાને મેં ઢબૂરી છે.
ફૂલ ખીલવાનો અર્થ જે પણ હો,
મ્હેક પ્રસરી રહે એ જરૂરી છે.
ચાલ અજમાવીએ બીજું કોઈ,
ભાગ્યના હાથમાં તો છૂરી છે.
ગાવ પંખીઓ મન મૂકીને ગાઓ,
એક પંક્તિ મનેય સ્ફૂરી છે.
’યામિની’ આ ગઝલ પૂજા જેવી,
શબ્દ સુગંધ પણ કપૂરી છે.

હોય છે

રમેશ પટેલ
શબ્દ મારો મૌનભાષી હોય છે,
અર્થ તો એકાંતવાસી હોય છે.
સાંજ ટાણે લ્યો, ઉદાસી હોય છે,
શબ્દ ભીતરનો પ્રવાસી હોય છે.
વ્યાકરણ ભાવે કવિને આથી તો,
સ્વાદ સર્જનનો મીઠાશી હોય છે.
ફૂલ માફક શબ્દને હું સાચવું,
દર્દમાં ઝાકળ સુવાસી હોય છે.
જ્યાં નજર પહોંચી બધે ત્યાં તું જ તું,
સ્વપ્નમાં પણ ભીડ ખાસ્સી હોય છે.
શબ્દ મારા ફૂલ થૈ મ્હેક્યા કરે,
જાત મેં મારી તપાસી હોય છે.
દૂર સુધી ક્યાં કશું દેખાય છે ?
આંખ તો જાણે અમાસી હોય છે.
રણ હજી ફેલાય છે મારી ભીતર,
રેત પણ ખારાશ પ્યાસી હોય છે.
પ્રક્રુતિ મારી ભીતર કલરવ કરે,
ઑમનું ગુંજન પ્રયાસી હોય છે.
શ્હેરમાં શ્વસતો ભલેને હોઉં છું,
મન મારું તો ગૂફાવાસી હોય છે.

ખલાસી હોય છે

પ્રજ્ઞા વશી
જ્યાં વિરહભીની અગાશી હોય છે,
દર્દ બસ ત્યાંનું નિવાસી હોય છે.
ક્યાં નડે કો’ ભીડ કોલાહલ સમું,
શ્વાસ ભીતરના પ્રવાસી હોય છે.
દૂરથી પણ અન્યને માપી શકે,
જાતને જેને ચકાસી હોય છે.
જે રમાડે જિંદગી મઝધારમાં,
એ જ જીવનના ખલાસી હોય છે.
જ્યાં કપાળે ચાંદને ચોડી દીધો,
ચાંદની ત્યાં બારમાસી હોય છે.
એ રિસાયા કોઈ પણ કારણ વિના,
એથી મારે મન ઉદાસી હોય છે.
શોર શબ્દનો વધ્યો તો શું થયું ?
અર્થ તો એકાંતવાસી હોય છે.
ત્યાં કદી ‘પ્રજ્ઞા’ નથી પાછળ રહી,
સામે જ્યાં તક મોંવકાસી હોય છે.
મધૂરી છે

દિલીપ ઘાસવાલા
વાત પૂરી નથી અધૂરી છે,
હાથ છોડી ન જા મધૂરી છે.
પોષે છે તેને એ કરે ખુવાર,
લાગણીઓ પોતે નગુરી છે.
નામ તારું જો હોય સૂરામાં,
કેમ તેની અસર અસૂરી છે ?
અડચણો માર્ગમાં સતત આવે,
તું મળે તો સફળ મજૂરી છે.

હોય છે
કિશોર મોદી
વાત પૂરી નથી અધૂરી છે,
એટલે તો બહુ મધુરી છે.
એટલી તો ખુશી મનોમન છે,
પ્રેમની વાત શૂરીપૂરી છે.
વૈભવી કૈં પળોની વચ્ચાળે,
ભીતરે યાદ ભૂરી ભૂરી છે.
સર્વથા ઠાઠમાઠથી ક્હું છું,
સો વરસની કહાની પૂરી છે.
પૂર્ણ આનંદ એ જ છે ‘કિશોર’,
જિંદગી ખાટીમીઠીતૂરી છે.

કાશી હોય છે

મહેશ દાવડકર
વ્હેતી ક્ષણના જે પ્રવાસી હોય છે,
એને મન ગઈ કાલ વાસી હોય છે.
શક્યતા શબ્દોમાં ખાસ્સી હોય છે,
શબ્દમાં મથુરા ને કાશી હોય છે.
છે વિવશ એ તો સમયના હાથમાં,
જિંદગી તો દેવદાસી હોય છે.
એથી તો દરિયા સુધી એ આવતી,
આ નદી પણ દોસ્ત ! પ્યાસી હોય છે.
ઝાંઝવાની પાર જે લઈ જાય નાવ,
એ જ તો સાચો ખલાસી હોય છે.
ઋતુ જેવું એને કંઈ હોતું નથી,
વેદના તો બારમાસી હોય છે.
એ જ બસ મળવું શું છે જાણી શકે,
જેને બસ ખુદની તલાસી હોય છે.
વારતા અધૂરી છે

વિવેક મનહર ટેલર
શબ્દ હડતાલ પર જઈ બેઠા, ઊર્મિ આજન્મ સૌ ફિતૂરી છે,
આ ગઝલ પૂરી કેમ થાય હવે ? આપણી વારતા અધૂરી છે.
જે કબૂલાત હમણાં આપે કરી એ હકીકતમાં શું જરૂરી છે ?
આપના દિલમાં જે જે વાત હતી આપની આંખમાં ઢબૂરી છે !
ચાલી ચાલીને લાગણીઓનો નીકળે દમ તો નીકળે પરસેવો,
બાકી હૈયા ને આંખની વચ્ચે, બોલો તો કેટલીક દૂરી છે ?
યુદ્ધમાં વ્યસ્ત છે તને શી ખબર, તારો રથ શી રીતે વિજયને વર્યો ?
આંગળી જે ધરી ધરીમધ્યે એ કઈ ઈચ્છાની સબૂરી છે ?
આપણા સાથનાં રહસ્યોની વાત કેવી ઝડપથી વેચાણી !
આપણે જ્યાં છૂટાં થવાનું હતું ત્યાંથી આ દાસ્તાન અધૂરી છે.

ઉદાસી હોય છે

સ્મિતા પારેખ
મૌન તો એકાંતવાસી હોય છે,
સાથમાં કેવળ ઉદાસી હોય છે.
તારી પાસેથી જ એ આવી હશે,
આ હવા તેથી સુવાસી હોય છે.
દીલમાં તો રણ વિસ્તરે હરપળ છતાં,
આંખભીની બારમાસી હોય છે.
કેમ ઢાળું દર્દને શબ્દોમાં હું ?
આંસુની શાહી અમાસી હોય છે.
યાદ તારી ઠારતી કૈં પળ બે પળ,
બાકી દીલમાં આગ ખાસ્સી હોય છે.
હાથ લાગી ક્યાં કદી સાચી દિશા,
જિંદગી પાગલ પ્રવાસી હોય છે.
ટ્રાયોલેટ

ડો. પ્રફુલ્લ દેસાઈ
(1)
શબ્દને સ્થાપી શકું છું તીરમાં
બ્રહ્મ વડવાનલ સમો છે સાગરે
ઘૂઘવે છે આગ જાણે નીરમાં
શબ્દને સ્થાપી શકું છું તીરમાં
શબ્દ તો સીઝાવતાં કૂકર સમો
ખદબદાવે બ્રહ્મને પણ ક્ષીરમાં
શબ્દને સ્થાપી શકું છું તીરમાં
બ્રહ્મ વડવાનલ સમો છે સાગરે
(2)
વાત પૂરી નથી, અધૂરી છે
ને મજા અર્થ પામવાની છે
વાળ માટે આ ટાલ ઝૂરી છે
વાત પૂરી નથી, અધૂરી છે
સુખ ક્ષણિક પામવા અમે જૂઓ
આંખ મીંચી ત્વચા વલૂરી છે
વાત પૂરી નથી, અધૂરી છે
ને મજા અર્થ પામવાની છે

ગઝલ
ડો. દિલીપ મોદી 
માર ગોલી, શું હશે તકદીરમાં ?
નિત્ય જીવું મુક્ત થઈ જંજીરમાં
ના, નથી પ્રોબ્લેમ, તો શાને પછી ?
શ્વાસ આ ચાલે સતત ગંભીરમાં
દર્પણોએ બસ દગો દીધો મને
આજ ખુદને હું નિહાળું નીરમાં
પ્રેમમાં મર્દાનગી તો જોઈએ !
-કે ખપી જાવું છે મારે વીરમાં
મૌન છું હું,દુશ્મનો પણ સમજી લે
શબ્દને સ્થાપી શકું છું તીરમાં
નગ્નતામાં ક્યાં ખરું સૌંદર્ય હો ?
એ વધુ શોભે ખરેખર ચીરમાં
હું લખું ત્યારે બનું બિલ્લી જુઓ  
કેટલી ગમ્મત પડે છે ખીરમાં !


No comments:

Post a Comment