Monday, December 12, 2011


સંવેદનના સપ્ટેમ્બર-૨૦૧૧ના અંકમાં શું વાંચશો ?

એક મિનિટ : રઘુવીર ચૌધરી, વ્યક્તિચિત્ર : આત્મપ્રીતિને આધારે બોલતા, લખતા, જીવતા રમેશભાઈ ! (ઓઝા)- જયદેવ શુક્લ, નિબંધ : ફૂલમાળા અને સમુદ્રમંથન – પ્રવીણ દરજી, આસ્વાદ : પતિપ્રેમની પતાકા ફરકાવતી યોગેશ જોશીની વાર્તા બારમું – ઈલા નાયક, ‘કબાટમાંથી’ કમ્પ્યુટરમાં ફીડ કરેલો ચેતનાનો ડેટા – સતીશ ડણાક, પુસ્તકપરિચય : હાસ્યના ચંદરવા નીચે – પ્રભાકર ધોળકિયાની વિશિષ્ટ હઝલો – દિલીપ મોદી, રેખાબેન શાહનો બાલવાર્તાસંગ્રહ : અમરતદાદીનું કબૂતર- યામિની ગૌરાંગ વ્યાસ, ક કવિતાનો ક : બે ગઝલ : ડૉ. એસ. એસ. રાહી, શોધયાત્રા – ઇન્દુ પુવાર, સાંજના સમયે – નાનુભાઈ નાયક, હાસ્ય : પારાયણ ‘અટકોની’ –યુસુફમીર, સંસ્મરણો : મારી બા [૩] –રવીન્દ્ર પારેખ, મનોવિજ્ઞાન : રોજબરોજની જિંદગીમાં અનુભવતા કેટલાક ફોબિઆ, જે આપણને જીવનના આનંદથી વંચિત રાખી પરેશાન કરે છે – જનક નાયક, માહિતી : કેતન મુનશી વાર્તાસ્પર્ધા -૩ વિષે માહિતી  

http://www.scribd.com/doc/75473219

Sunday, October 30, 2011

સંવેદન ઑગસ્‍ટ-૨૦૧૧


સંવેદનના ઑગસ્‍ટ-૨૦૧૧ના અંકમાં શું વાંચશો ?
૧. એક મિનિટ, ૨. વ્યક્તિચિત્રઃ નાનુમાંથી નાનિયો, પછી નાનુભાઈને પછી મામા, પછી બાપા ને આજે નગરબાપા સુધી પહોંચનાર શ્રી નાનુભાઈ નાયક-જનક નાયક, વિભા દેસાઈ અને રાસબિહારી દેસાઈ-માવજી કે. સાવલા, ૩. વિવેચનઃ ઉશનસનાં સૉનેટો-રવીન્દ્ર પારેખ, ૪. વાર્તાઆસ્‍વાદ : મૃતાત્‍માના ભ્રમનિરસનને ધ્‍વનિત કરતી વાર્તા દીકરા-ઙૉ. બિપિ‍ન આશર,  ૫. નવલથાઃ  શોધ - પ્રકરણ - ૭ ધ્‍વનિલ પારેખ, ૬. ક કવિતાનો કઃ બે ગઝલ – સાહિલ, નિરર્થક્તા - નાનુભાઈ નાયક, ૭. પુસ્‍તક પરિચયઃ સત્ત્વશીલ કવિત્ત્વઃ તત્ત્વ ૧૧૧-ડૉ. પ્રદીપ રાવલ સુમિરન, ૮. હાસ્‍યઃ મણિયો બોઈલર-મંજુલા ગાડિત, ૯. સાહત્‍ય સમાચાર, ૧૦. માહિતીઃ કેતન મુનશી વાર્તાસ્‍પર્ધા-૩ વિશે માહિતી

http://www.scribd.com/fullscreen/70879856?access_key=key-sss7vh8pd94fvrh9zzt

Friday, August 19, 2011

સર્જક શ્રી જનક નાયકના 58મા જન્મદિવસે એમના પુસ્તક 'જીવન સાથે મૈત્રી'નું લોકાર્પણ
 
જનક નાયક્નું વક્તવ્ય
સર્જક શ્રી જનક નાયકના 58મા જન્મદિવસે એમના પુસ્તક 'જીવન સાથે મૈત્રી'નું લોકાર્પણ સાહિત્ય સંગમના સંસ્કાર ભવનમાં થયું હતું. સાથે કરાઓકે ટ્રેક પર જીવનલક્ષી ગીતો ગાયાં હતાં. એ પ્રસંગે જનક નાયક્નું વક્તવ્ય. આપને ગમશે.

Jivan Sathe Maitri Lokarpan Bhagvatukumar Sharma Vaktvya 13-8-11
શ્રી ભગવતીકુમાર શર્માનું વક્તવ્ય
સર્જક શ્રી જનક નાયકના 58મા જન્મદિવસે એમના પુસ્તક 'જીવન સાથે મૈત્રી'નું લોકાર્પણ સાહિત્ય સંગમના સંસ્કાર ભવનમાં થયું હતું. સાથે કરાઓકે ટ્રેક પર જીવનલક્ષી ગીતો ગાયાં હતાં. એ પ્રસંગે શ્રી ભગવતીકુમાર શર્માનું વક્તવ્ય. આપને ગમશે.

Jivan Sathe Maitri Lokarpan Shashikant Shah Vaktvya 13-8-11
શ્રી શશીકાંત શાહનું વક્તવ્ય
સર્જક શ્રી જનક નાયકના 58મા જન્મદિવસે એમના પુસ્તક 'જીવન સાથે મૈત્રી'નું લોકાર્પણ સાહિત્ય સંગમના સંસ્કાર ભવનમાં થયું હતું. સાથે કરાઓકે ટ્રેક પર જીવનલક્ષી ગીતો ગાયાં હતાં. એ પ્રસંગે શ્રી શશીકાંત શાહનું વક્તવ્ય. આપને ગમશે.

Jivan Sathe Maitri Lokarpan Naresh Kapadiaa Pustak Parichay 13-8-11
શ્રી નરેશ કાપડીઆ દ્વારા પુસ્તકનો પરિચય
સર્જક શ્રી જનક નાયકના 58મા જન્મદિવસે એમના પુસ્તક 'જીવન સાથે મૈત્રી'નું લોકાર્પણ સાહિત્ય સંગમના સંસ્કાર ભવનમાં થયું હતું. સાથે કરાઓકે ટ્રેક પર જીવનલક્ષી ગીતો ગાયાં હતાં. એ પ્રસંગે શ્રી નરેશ કાપડીઆએ પુસ્તકનો પરિચય કરાવ્યો હતો. આપને ગમશે.

Jivan Sathe Maitri Lokarpan Mahendra Joshi Lekhak Parichay 13-8-11
શ્રી મહેન્દ્ર જોશીએ લેખકનો પરિચય
સર્જક શ્રી જનક નાયકના 58મા જન્મદિવસે એમના પુસ્તક 'જીવન સાથે મૈત્રી'નું લોકાર્પણ સાહિત્ય સંગમના સંસ્કાર ભવનમાં થયું હતું. સાથે કરાઓકે ટ્રેક પર જીવનલક્ષી ગીતો ગાયાં હતાં. એ પ્રસંગે શ્રી મહેન્દ્ર જોશીએ લેખકનો પરિચય કરાવ્યો હતો. આપને ગમશે.
  

Jivan Sathe Maitri Lokarpan Jindgi Ek Safar Janak Naik 13-8-11
શ્રી જનક નાયક અને હેમાંગ દેસાઈએ અંદાઝ ફિલ્મનું જીંદગી એક સફર હૈ સુહાના ગીત
સર્જક શ્રી જનક નાયકના 58મા જન્મદિવસે એમના પુસ્તક 'જીવન સાથે મૈત્રી'નું લોકાર્પણ સાહિત્ય સંગમના સંસ્કાર ભવનમાં થયું હતું. સાથે કરાઓકે ટ્રેક પર જીવનલક્ષી ગીતો ગાયાં હતાં. એ પ્રસંગે શ્રી જનક નાયક અને હેમાંગ દેસાઈએ અંદાઝ ફિલ્મનું જીંદગી એક સફર હૈ સુહાના ગીત ગાયું હતું. આપને ગમશે.

Tuesday, August 9, 2011


સંવેદન જુલાઈ-૨૦૧૧
૧. એક મિનિટ ૨. વ્યક્તિચિત્ર : શોકથી શ્લોકત્વ સુધીની આનંદમય યાત્રા કરનાર શ્રી ભગવતીકુમાર શર્મા એટલે સાહિત્‍યાકાશનું ઉત્તુંગ શિખર...જનક નાયક ૩. સંસ્‍મરણોઃ મારી બા - રવીન્દ્ર પારેખ ૪. નવલિકાઃ અરથી વિચ્છેદન - બહાદુરભાઈ વાંક ૫. ક કવિતાનો કઃ બે ગઝલ- બે હઝલ - દિલીપ મોદી, બે ગીત - પ્રફુલ્‍લ પંડ્યા, સૂરજને મેલેરિયા – નાનુભાઈ નાયક ૬. નવલકથાઃ શોધ - પ્રકરણ - ૬ ધ્વનિલ પારેખ ૭. સંગીતઃ વર્ષા ઋતુના રાગો અને રોગો - ડૉ. પ્રફુલ્‍લ દેસાઈ ૮. પ્રતિભાવ ૯. નવાં પુસ્‍તકોઃ અવઢવ એ લાગણીના સંબંધોમાં ક્યારેક પ્રગટતી વિશ્વાસની કટોકટીની કથા છે- ડૉ. પ્રફુલ્‍લ દેસાઈ ૧૦. સાહિત્‍ય સમાચાર ૧૧. માહિતીઃ કેતન મુનશી વાર્તાસ્‍પર્ધા-૪ વિશે માહિતી

Friday, August 5, 2011

જનક નાયકની નવી નવલકથા 'અવઢવ'નુ લોકાર્પણ


ગોવાની પાશ્વભૂમાં લખાયેલી શ્રી જનક નાયકની અવઢવ નવલકથા ભાવકને અવશ્ય ગમશે

સુરતઃ સાહિત્‍ય સંગમના ઉપક્રમે શ્રી જનક નાયકની નવલકથા અવઢવનું લોકાર્પણ કરતાં શ્રી ભગવતીકુમાર શર્માએ પ્રમુખસ્‍થાનેથી જણાવ્યું હતું કે, અવઢવ એ જનક નાયકની પ્રયોગાત્‍મક રચના છે. શરૂઆતમાં ધીમા વેગથી ચાલતી આ નવલકથા આગળ જતાં સમુચિત રીતે વેગ પકડે છે. નવલકથાના ત્રણેય પાત્રો એકમેકને સુખી જોવા ઇચ્‍છતા હોવા છતાં આ ત્રણેયને આંતરિક વ્‍યક્તિત્વ છે, સ્‍વત્વ છે. પરિણામે એકમેકને સમજી ન શકવાનો  સંઘર્ષ અહીં દેખાય છે, જે નવલકથાનો આસ્‍વદ્યાત્‍મક મહત્વનો અંશ છે. તેમણે આગળ કહ્યું કે, ગોવાના લોકાલનો જનકે પૂરેપૂરો કસ કાઢ્યો છે, પણ સાથે અવઢવ ગોવાની ગાઈડ પણ ન બની જાય એની પૂરેપૂરી સાવધાની રાખી છે. ગોવાના સ્‍થળવિશેષોનો જનકે પ્રતિકાત્‍મક રીતે બહુ સરસ અને ઉપકારક નીવડે એ રીતે વિનિયોગ કર્યો છે. સૌથી વધુ પ્રશંસનીય પાસું છે નવલકથાનો અંત. આંખોમાં હજારો તારાઓ ઝલમલાતા હતા એ વાક્ય સાથે કથાનો અંત આવે છે, જ્યાં જનક ખરેખરા કલાકાર તરીકે પ્રગટ થયો છે. કલાત્‍મક વાર્તા લખવામાં પ્રગતિ કરી રહેલા જનકનો આ નવલકથામાં પરિચય મળે છે, પ્રતિકો સાથે કામ લેવાની શક્તિનો પણ પરિચય મળે છે. અને મનોવિજ્ઞાનના જાણકાર તરીકેનો પણ પરિચય મળે છે. આ બધાને પરિણામે નવલકથાના વાચકને એવી અવઢવમાં તો ન જ મૂકે કે અમે ખોટી નવલકથા પસંદ કરી છે. શ્રી અશ્વિન દેસાઇએ જણાવ્યું હતું કે, અવઢવ એ આધુનિક ઉપલા મધ્યમ વર્ગની ઘસાતી જતી, ક્ષીણ બની રહેલી દશા વર્ણવે છે. શ્રી નાનુભાઇ નાયકે ઉત્તમ સાહિત્‍યકારે સમાજને, લોકોને, વ્‍યવસ્‍થાને સમજવી પડે એવું જણાવી કહ્યું કે, જનક પ્રબળ પુરુષાર્થથી અને જનમાનસને સમજીને સર્જન કરી રહ્યો છે તેથી જ એ લોકપ્રિય છે. સાહિત્‍યસર્જનમાં ભાષા મુખ્‍ય નથી, પણ ભાવ મુખ્‍ય છે. જનકનાં પૂસ્‍તકોમાં ભાષાવૈભવ નથી, પણ ભાવવૈભવ પ્રબળ પ્રમાણમાં છે. અવઢવમાં કુટુંબની લાગણીઓ તીવ્રતાથી ઝીલાઈ છે. શ્રી રવીન્દ્ર પારેખે અવઢવ નવલકથાનો પરિચય આપતાં જણાવ્યું કે, ગોવાના પ્રવાસની સમાંતરે નવલકથામાં વૈચારિક પ્રવાસ ચાલે છે. નવલકથાનાં ત્રણેય પાત્રો કાપતાં કપાંતાં ચાલે છે. ત્રણેય પાત્રો એકમેકને બહુ પ્રેમ કરે છે એવું માને છે. પણ વર્તનમાં તો એકમેકને લગભગ પિડતા જ રહે છે. નવલકથાનો અંત લેખકે ખુલ્‍લો રાખ્યો છે, એથી નવલકથાને એક નવું પરિમાણ મળ્યું છે. સંવાદોમાં વ્‍યંજનાપૂર્ણ અભિવ્‍યક્તિ કથાનું જમાપાસું છે. નવલકથાના અંતમાં બીચ પરની એક ઘટનાનો લેખકે નાયક સ્‍પંદનનું માનસ બદલવા સૂચક ઉપયોગ કર્યો છે. કોઈક બીજાની જિંદગીનો ઉકેલ નવલકથાનો ઉકેલ બની જાય એમાં સર્જકનો મનોવ્‍યાપાર પમાય છે. જનક નાયકે આ નવલકથા દ્વારા પોતાનો ચીલો પાડવાની કોશિશ કરી છે. તેમણે આગળ જણાવ્યું કે, સમજવાની, આભાર માનવાની વાતો, વિચારોના પ્રવાહને લીધે નવલકથાનું કદ નાનું છે છતાં પ્રસ્‍તારી લાગે છે. ખોટા શબ્‍દપ્રયોગો પણ ક્યાંક દેખાય. છતાં ગોવાના બીચનાં કે દરિયાના કે ચર્ચનાં વર્ણનોમાં લેખકે ઝીણું કાંત્‍યું છે. પાત્રો આઉટ ઑફ ફોકસ થઈ જતાં હશે, પણ નવલકથાનો મુખ્‍ય તંતુ તૂટતો નથી. એ લેખકનું જમાપાસું છે. કન્‍ફેશન બોક્સ લાવીને લેખકે ગોવાનો ઉપયોગ પ્રવાસ ઉપરાંત પ્રતીક તરીકે પણ કર્યો છે. નવલકથામાં વર્ણનો સ્‍થળસૂચક જ નહિ, પણ પાત્રોની મનઃસ્થિતિ પણ વ્‍યક્ત કરે છે. અવઢવ દ્વારા જનક નાયક એક ડગલું આગળ વધ્યો છે એ ચોક્કસ. શ્રી જનક નાયકે પ્રતિભાવમાં જણાવ્યું કે, અવઢવ દેખાય છે એવી સરળ નવલકથા નથી. એમાં અનેક સંકેતો-પ્રતિકો છે, જે નવલકથાના સમજદારીપૂર્વકના બે-ત્રણ વાચન પછી ઊઘડે. તરસ નવલકથા ભાવકોને કેન્‍દ્રમાં રાખીને લખાઈ હતી, પણ અવઢવ ભાવકોની સાથે વિવેચકોનેય કેન્‍દ્રમાં રાખીને લખાઈ છે. નવલકથાની પ્રસ્‍તાવના લખનાર શ્રી પ્રફુલ્‍લ દેસાઇએ લેખકનો પરિચય આપ્યો હતો. સર્વશ્રી નરેશ કાપડીઆ, યામિની વ્‍યાસ, દિલીપ ઘાસવાલા અને ઋચા કાપડીઆએ નવલકથાના અંશોનું પઠન કર્યું હતું.

Tuesday, June 21, 2011

Samvedan June-2011


સંવેદન : જૂન-2011ના અંકમાં શું વાંચશો ?
૧. એક મિનિટ : ફાધર વાલેસ ૨. વ્યક્તિચિત્ર : ધર્મને અંધશ્રદ્ધાથી નહિ, પણ પ્રખર શ્રદ્ધાથી સમજનારા રૅશનાલિસ્‍ટ ડૉ. નરેશ ભટ્ટની જીવનફિલસૂફી ચાલો, આપણે જાણીએ...-જનક નાયક . નવલિકાઃ કેતન મુનશી વાર્તાસ્‍પર્ધામાં પ્રથમ આવેલી વાર્તા મા- ગિરીશ ભટ્ટ ૪. આસ્‍વાદઃ વ્‍યંઢળોની જિંદગીના નોખા વિષય પર લખાયેલી સંવેદનની અલગ પરિભાષા આલેખતી શ્રી ગિરીશ ભટ્ટની, કેતન મુનશી પારિતોષ્કિ વિજેતા વાર્તા મા-જનક નાયક ૫. એકાંકી - નિયતિકૃત નિયમરહિતા- નવલિકા : સરોજ પાઠક- નાટ્યરૂપઃ યામિની વ્‍યાસ ૬. ક કવિતાનો કઃ ગમાર માણસની ગીતા - નાનુભાઇ નાયક, બે કાવ્‍યો- મંગળ રાઠોડ ૭. સંગીત : ગ્રીષ્‍મ ઋતુના રોગો અને રાગો- ડૉ. પ્રફુલ્‍લ દેસાઇ ૮. નવલકથાઃ શોધ - પ્રકરણ-૫ - ધ્વનિલ પારેખ ૯. લઘુકથાઃ નાની અમસ્‍તી ફરજ- પ્રો. એન. એચ. કોરિન્‍ગા કોનાહ ૧૦. સાહિત્‍ય સમાચાર ૧૧. માહિતીઃ  કેતન મુનશી વાર્તાસ્‍પર્ધા-૩ વિશે માહિતી 

http://www.scribd.com/fullscreen/58357744?access_key=key-1hb4jlubl2j8ektr12d

Wednesday, May 11, 2011

Samvedan May 2011

સંવેદનના મે ૨૦૧૧ના અંકમાં શું વાંચશો ? :  ૧. એક મિનિટઃ પુરુષોત્તમ ગણેશ માવળંકર ૨. માહિતી: કેતન મેનશી વાર્તાસ્‍પર્ધા-૩ના પુરસ્‍કારની જાહેરાત ૩. વ્યક્તિચિત્રઃ ૭૫ વર્ષથી વધારે જીવવું હોય તો હકારાત્‍મક જ રહેવુંપડે એવું માનનાર પ્રા. જ્યોતિ વૈદ્ય સ્‍વીકારે છે કે નાટક ન હોત તોજ્યોતિ વૈદ્યન હોત...- જનક નાયક ૪. લાઉડ થીકિંગઃ શ્રી ગુણવંત શાહ લિખિતગાંધીની ઘડિયાળના સંદર્ભમાં - દીપક વશી, હું ખરે, તું ખરો- ઇલા નાયક, મુકામ પોસ્‍ટ હ્રદય જેવાં નાટકો કે વિ-ચેતસજેવી વાર્તાઓ સ્‍ક્રીઝેફેનિયા અર્થાત્ દ્વિમુખી વ્‍યક્તિત્વ ધરાવતા મનોરોગીઓને સમજવામાં ઉપયોગી થાય, ૫. હાસ્‍યઃ કવિ ચંપકની દ્રષ્ટિએઃ કન્‍યા અને કવિતા- ભૂપતરાય ઠાકર, રજા- નરેન્દ્ર જોષી, છાપભૂલને નામે- બકુલેશ દેસાઇ ૬. નવલકથાઃ શોધ- પ્રકરણ-૪- ધ્વનિલ પારેખ, ૭. આસ્‍વાદઃ સામાજિક મૂલ્‍યોનો છેદ ઉડાડતી વાર્તાઃ વાસ્‍યાં મે દ્વાર તોયે- હરીશ વટાવવાળા, ૮. ક કવિતાનો કઃ કવિશ્રી ગૌરાંગ ડાકરની ગઝલપંક્તિઓ પરથી તરહી મુશાયરો, છગન બાટલીની ચાની લારી પર - નાનુભાઇ નાયક, ૯. પુસ્‍તક પરિચયઃ પંક્તિના ઘર - મત્‍લાનગર-ગૌરાંગ ઠાકર      , ૧૦. સાહિત્‍ય સમાચાર ૧૧. માહિતીઃ કેતન મુનશી વાર્તાસ્‍પર્ધા-4 વિશે માહિતી, 
http://www.scribd.com/doc/55196765

Thursday, March 24, 2011

સંવેદન ફેબ્રુઆરી- ૨૦૧૧

સંવેદનના ફેબ્રુઆરી- ૨૦૧૧ના અંકમાં શું વાંચશો ?
૧. એક મિનિટઃ પ્રવિણ દરજી ૨. સંપાદકીયઃ આપણા બાળકો શું વાંચે છે ? અથવા આપણે બાળકોને
શું વાંચવા આપીએ છીએ ? બાળકો નથી વાંચતા એમાં આપણી કેટલી જવાબદારી ? લેખાંક-૨ ૩. વ્‍યક્તિ ચિત્રઃ માર્શલ સાહેબના
સન્‍માનીય નામથી સંબોધાતા અને ૯૯ વર્ષેયવૃદ્ધ નહિ પણ યુવાન  એવા ડૉ.રતન માર્શલ  વસુધૈવમ કુટુંબકમ્માં માને છે...- જનક નાયક
૪. નવલિકાઃ અહેસાન - નિશીત રાવલ (કેતન મુનશી વાર્તાસ્‍પર્ધા-૨માંની નોંધપાત્ર વાર્તા) દીવાદાંડી - મેહુલ આર. દવે
(કેતન મુનશી વાર્તાસ્‍પર્ધા-૨માંની નોંધપાત્ર વાર્તા) ૫. નવલકથાઃ શોધ -પ્રકરણ-૧ - ધ્વનિલ પારેખ ૬. વિવેચનઃ ન્‍હાનાલાલ
અને ગુજરાતી ભાષા - ચાર લાખની સુવર્ણમુદ્રિકા- કાલિન્‍દી પરીખ ૭. નાટકઃ હિસાબ વીતેલા વર્ષનો- લેખક- દિગ્દર્શકઃ નરેશ કાપડીઆ
૮. સંગીતઃ હેમંત ઋતુના રાગો અને રોગો - ડૉ. પ્રફૂલ્‍લભાઇ દેસાઇ ૯. ક કવિતાનો કઃ બે ગઝલ - ગૌરાંગ ઠાકર વાસ્‍તવિક્તા - નાનુભાઇ નાયક ૧૦. પ્રતિભાવ ૧૧. સાહિત્‍ય સમાચાર ૧૨. માહિતીઃ કેતન મુનશી વાર્તાસ્‍પર્ધા-૩ વિશે માહિતી
http://www.scribd.com/full/50469079?access_key=key-2e79x9y2vo0pj9tcmms3

Sunday, March 13, 2011

Tarahi Mushayro

તરહી મુશાયરો
કવિ, હાસ્યકાર, નવલકથાકાર, કટારલેખક, કાર્ટુનિસ્ટ, નાટ્યકાર શ્રી નિર્મિશ ઠાકરની જન્મતારીખ તા. 18મી માર્ચના રોજ છે. એ નિમિત્તે સાહિત્ય સંગમ અને નર્મદ સાહિત્ય સભા દ્વારા તરહી મુશાયરાનું આયોજન તા. 13મી માર્ચના રવિવારે થયું હતું. જેમાં નયન હ. દેસાઈ, બકુલેશ દેસાઈ, કિરણસિંહ ચૌહાણ, દિલીપ મોદી, ગૌરાંગ ઠાકર, જનક નાયક, યામિની વ્યાસ, રમેશ પટેલ, પ્રજ્ઞા વશી, દિલીપ ઘાસવાલા, કિશોર મોદી, મહેશ દાવડકર, વિવેક મનહર ટેલર, સ્મિતા પારેખ, ડો. પ્રફુલ્લ દેસાઈએ શ્રી નિર્મિશ ઠાકરની ગઝલપંક્તિ પરથી ગઝલો રજુ કરી હતી. રીટા ત્રિવેદી અને ભાગ્યેન્દ્ર પટેલે પણ પોતાની કૃતિ મોકલી હતી. શ્રી નયન હ. દેસાઈએ કહ્યું હતું કે કવિ સમાજને શણગારે છે. શ્રી નિર્મિશ ઠાકરે જણાવ્યું હતું કે, સાહિત્યમાં સ્પર્ધાનો ભાવ હોવો જ જોઈએ. ભાષા વિશે બોલતા કહ્યું કે, ભાષા કદી ડૂબતી નથી, હા એ રૂપ બદલે છે ખરી. શ્રી નાનુભાઈ નાયકે જણાવ્યું કે સમાજની વેદના સમજી શકે તે જ સાચો કવિ. શ્રી જનક નાયકે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
નઝમ
નયન હ. દેસાઈ
શબ્દના તો સૌ પ્રવાસી હોય છે
અર્થની પાસે ઉદાસી હોય છે.
આમ તો ટોળું બનાવી જીવવું
જખ્મ જે પામ્યા સજાવી જીવવું
હાસ્યનું મોઢું ચઢાવી જીવવું
વાત જો સમજો જરાસી હોય છે
અર્થની પાસે ઉદાસી હોય છે.
ક્યાં કશું બોલી શકે છે દર્પણો ?
દિલ કદી ખોલી શકે છે દર્પણો ?
મૌન બસ ઓઢી શકે છે દર્પણો
ભીડમાં એકાંતવાસી હોય છે
અર્થની પાસે ઉદાસી હોય છે.
પાન પાસે જઈ પવન નર્તક બને
મૌન પાસે જઈ હ્રદય ભરચક બને
શબ્દ પાસે જઈ કોઈ સર્જક બને
એ જ જેની આંખ પ્યાસી હોય છે
અર્થની પાસે ઉદાસી હોય છે.
અધૂરી છે
બકુલેશ દેસાઈ
આદરી છે અને અધૂરી છે
જાતની જાતરા ક્યાં પૂરી છે ?
જીવવા યાદ બહુ જરૂરી છે
એટલે મેં સતત વલૂરી છે
રાહ જોવામાં શૂરીપૂરી છે
મારી આંખો ગજબની નૂરી છે
ધૂળ શ્રદ્ધા અને સબૂરી છે ?
લાગે છે – ભીરુતા ઢબૂરી છે
ભાવ સમભાવ ધ્યેય નહિ હો તો
જિંદગી કૈં નથી મજૂરી છે
ખાસ મિત્રો છે મોટી દહેશત છે
રામ મુખ બગલમાં છૂરી છે
એકમાર્ગી નથી હ્રદય મારું
ચાહ પામ્યો તો ચાહ સ્ફૂરી છે
અધવચાળે મૂલવણી શા માટે ?
વાત પૂરી નથી અધૂરી છે.
જેવી છે
કિરણસિંહ ચૌહાણ
સ્થિતિ જ્યાં મોહભંગ જેવી છે,
ત્યાં ઉદાસી ઉમંગ જેવી છે.
કોઇ કાંટાળા સંગ જેવી છે,
મિત્રતા ક્યાંક જંગ જેવી છે.
હારવાની અણીએ છું ત્યારે,
તારી મુસ્કાન વ્યંગ જેવી છે.
મારી તો દોસ્ત આખી આ દુનિયા,
તારી આંખોના રંગ જેવી છે.
લાગણી ચાલવામાં તો ઠીક છે,
ઊડવામાં અપંગ જેવી છે.
દોર કોઈના હાથમાં કાયમ,
જિંદગી યે પતંગ જેવી છે.

જેવી છે

ગૌરાંગ ઠાકર
આ ખુશી તો અપંગ જેવી છે,
પણ ઉદાસી સળંગ જેવી છે.
હાથમાં આપની હથેળી તો,
જાણે વીંટીમાં નંગ જેવી છે.
ઘાવ મારાં ને આંસુ એનાં છે,
મા તો દીકરાના અંગ જેવી છે.
ખુદને મળવા જવાની ઘટના તો,
દોસ્ત ઘરના પ્રસંગ જેવી છે.
ચાંદ તારા વગરની સૂની રાત,
કોઇ ખાલી પલંગ જેવી છે.
જિંદગી આમ તો બીજું શું છે ?
વ્યંગ કાવ્યોના રંગ જેવી છે.

પીરમાં

જનક નાયક
શબ્દને સ્થાપી શકું છું તીરમાં,
મૌન પડઘાયા કરે છે પીરમાં.
અર્થ તો બદલાય છે કાયમ અહીં,
માણસો વ્હેતાં રહે છે નીરમાં.
માનવી ક્યાં કોઇને લાગ્યો સરળ ?
એ ઉકેલાયો પછી તસ્વીરમાં.
કાળ સાથે દોડતાં હાંફી ગયા,
ખુદને બાંધી દો હવે જંજીરમાં.
મન સતત અવઢવમાં ફફડે એટલે,
જિંદગી બસ કેદ થઇ તકદીરમાં.
એક સાથે દસ ચહેરાનો ‘જનક’,
રામ જેવો લાગું હું ગંભીરમાં.

કપૂરી છે

યામિની વ્યાસ
વાત પૂરી નથી, અધૂરી છે,
તોય મનને જરા સબૂરી છે.
વેદના કેટલી મધુરી છે !
સાવ પાસે છતાંય દૂરી છે.
આવશે આપણો વખત સારો,
એમ ઈચ્છાને મેં ઢબૂરી છે.
ફૂલ ખીલવાનો અર્થ જે પણ હો,
મ્હેક પ્રસરી રહે એ જરૂરી છે.
ચાલ અજમાવીએ બીજું કોઈ,
ભાગ્યના હાથમાં તો છૂરી છે.
ગાવ પંખીઓ મન મૂકીને ગાઓ,
એક પંક્તિ મનેય સ્ફૂરી છે.
’યામિની’ આ ગઝલ પૂજા જેવી,
શબ્દ સુગંધ પણ કપૂરી છે.

હોય છે

રમેશ પટેલ
શબ્દ મારો મૌનભાષી હોય છે,
અર્થ તો એકાંતવાસી હોય છે.
સાંજ ટાણે લ્યો, ઉદાસી હોય છે,
શબ્દ ભીતરનો પ્રવાસી હોય છે.
વ્યાકરણ ભાવે કવિને આથી તો,
સ્વાદ સર્જનનો મીઠાશી હોય છે.
ફૂલ માફક શબ્દને હું સાચવું,
દર્દમાં ઝાકળ સુવાસી હોય છે.
જ્યાં નજર પહોંચી બધે ત્યાં તું જ તું,
સ્વપ્નમાં પણ ભીડ ખાસ્સી હોય છે.
શબ્દ મારા ફૂલ થૈ મ્હેક્યા કરે,
જાત મેં મારી તપાસી હોય છે.
દૂર સુધી ક્યાં કશું દેખાય છે ?
આંખ તો જાણે અમાસી હોય છે.
રણ હજી ફેલાય છે મારી ભીતર,
રેત પણ ખારાશ પ્યાસી હોય છે.
પ્રક્રુતિ મારી ભીતર કલરવ કરે,
ઑમનું ગુંજન પ્રયાસી હોય છે.
શ્હેરમાં શ્વસતો ભલેને હોઉં છું,
મન મારું તો ગૂફાવાસી હોય છે.

ખલાસી હોય છે

પ્રજ્ઞા વશી
જ્યાં વિરહભીની અગાશી હોય છે,
દર્દ બસ ત્યાંનું નિવાસી હોય છે.
ક્યાં નડે કો’ ભીડ કોલાહલ સમું,
શ્વાસ ભીતરના પ્રવાસી હોય છે.
દૂરથી પણ અન્યને માપી શકે,
જાતને જેને ચકાસી હોય છે.
જે રમાડે જિંદગી મઝધારમાં,
એ જ જીવનના ખલાસી હોય છે.
જ્યાં કપાળે ચાંદને ચોડી દીધો,
ચાંદની ત્યાં બારમાસી હોય છે.
એ રિસાયા કોઈ પણ કારણ વિના,
એથી મારે મન ઉદાસી હોય છે.
શોર શબ્દનો વધ્યો તો શું થયું ?
અર્થ તો એકાંતવાસી હોય છે.
ત્યાં કદી ‘પ્રજ્ઞા’ નથી પાછળ રહી,
સામે જ્યાં તક મોંવકાસી હોય છે.
મધૂરી છે

દિલીપ ઘાસવાલા
વાત પૂરી નથી અધૂરી છે,
હાથ છોડી ન જા મધૂરી છે.
પોષે છે તેને એ કરે ખુવાર,
લાગણીઓ પોતે નગુરી છે.
નામ તારું જો હોય સૂરામાં,
કેમ તેની અસર અસૂરી છે ?
અડચણો માર્ગમાં સતત આવે,
તું મળે તો સફળ મજૂરી છે.

હોય છે
કિશોર મોદી
વાત પૂરી નથી અધૂરી છે,
એટલે તો બહુ મધુરી છે.
એટલી તો ખુશી મનોમન છે,
પ્રેમની વાત શૂરીપૂરી છે.
વૈભવી કૈં પળોની વચ્ચાળે,
ભીતરે યાદ ભૂરી ભૂરી છે.
સર્વથા ઠાઠમાઠથી ક્હું છું,
સો વરસની કહાની પૂરી છે.
પૂર્ણ આનંદ એ જ છે ‘કિશોર’,
જિંદગી ખાટીમીઠીતૂરી છે.

કાશી હોય છે

મહેશ દાવડકર
વ્હેતી ક્ષણના જે પ્રવાસી હોય છે,
એને મન ગઈ કાલ વાસી હોય છે.
શક્યતા શબ્દોમાં ખાસ્સી હોય છે,
શબ્દમાં મથુરા ને કાશી હોય છે.
છે વિવશ એ તો સમયના હાથમાં,
જિંદગી તો દેવદાસી હોય છે.
એથી તો દરિયા સુધી એ આવતી,
આ નદી પણ દોસ્ત ! પ્યાસી હોય છે.
ઝાંઝવાની પાર જે લઈ જાય નાવ,
એ જ તો સાચો ખલાસી હોય છે.
ઋતુ જેવું એને કંઈ હોતું નથી,
વેદના તો બારમાસી હોય છે.
એ જ બસ મળવું શું છે જાણી શકે,
જેને બસ ખુદની તલાસી હોય છે.
વારતા અધૂરી છે

વિવેક મનહર ટેલર
શબ્દ હડતાલ પર જઈ બેઠા, ઊર્મિ આજન્મ સૌ ફિતૂરી છે,
આ ગઝલ પૂરી કેમ થાય હવે ? આપણી વારતા અધૂરી છે.
જે કબૂલાત હમણાં આપે કરી એ હકીકતમાં શું જરૂરી છે ?
આપના દિલમાં જે જે વાત હતી આપની આંખમાં ઢબૂરી છે !
ચાલી ચાલીને લાગણીઓનો નીકળે દમ તો નીકળે પરસેવો,
બાકી હૈયા ને આંખની વચ્ચે, બોલો તો કેટલીક દૂરી છે ?
યુદ્ધમાં વ્યસ્ત છે તને શી ખબર, તારો રથ શી રીતે વિજયને વર્યો ?
આંગળી જે ધરી ધરીમધ્યે એ કઈ ઈચ્છાની સબૂરી છે ?
આપણા સાથનાં રહસ્યોની વાત કેવી ઝડપથી વેચાણી !
આપણે જ્યાં છૂટાં થવાનું હતું ત્યાંથી આ દાસ્તાન અધૂરી છે.

ઉદાસી હોય છે

સ્મિતા પારેખ
મૌન તો એકાંતવાસી હોય છે,
સાથમાં કેવળ ઉદાસી હોય છે.
તારી પાસેથી જ એ આવી હશે,
આ હવા તેથી સુવાસી હોય છે.
દીલમાં તો રણ વિસ્તરે હરપળ છતાં,
આંખભીની બારમાસી હોય છે.
કેમ ઢાળું દર્દને શબ્દોમાં હું ?
આંસુની શાહી અમાસી હોય છે.
યાદ તારી ઠારતી કૈં પળ બે પળ,
બાકી દીલમાં આગ ખાસ્સી હોય છે.
હાથ લાગી ક્યાં કદી સાચી દિશા,
જિંદગી પાગલ પ્રવાસી હોય છે.
ટ્રાયોલેટ

ડો. પ્રફુલ્લ દેસાઈ
(1)
શબ્દને સ્થાપી શકું છું તીરમાં
બ્રહ્મ વડવાનલ સમો છે સાગરે
ઘૂઘવે છે આગ જાણે નીરમાં
શબ્દને સ્થાપી શકું છું તીરમાં
શબ્દ તો સીઝાવતાં કૂકર સમો
ખદબદાવે બ્રહ્મને પણ ક્ષીરમાં
શબ્દને સ્થાપી શકું છું તીરમાં
બ્રહ્મ વડવાનલ સમો છે સાગરે
(2)
વાત પૂરી નથી, અધૂરી છે
ને મજા અર્થ પામવાની છે
વાળ માટે આ ટાલ ઝૂરી છે
વાત પૂરી નથી, અધૂરી છે
સુખ ક્ષણિક પામવા અમે જૂઓ
આંખ મીંચી ત્વચા વલૂરી છે
વાત પૂરી નથી, અધૂરી છે
ને મજા અર્થ પામવાની છે

ગઝલ
ડો. દિલીપ મોદી 
માર ગોલી, શું હશે તકદીરમાં ?
નિત્ય જીવું મુક્ત થઈ જંજીરમાં
ના, નથી પ્રોબ્લેમ, તો શાને પછી ?
શ્વાસ આ ચાલે સતત ગંભીરમાં
દર્પણોએ બસ દગો દીધો મને
આજ ખુદને હું નિહાળું નીરમાં
પ્રેમમાં મર્દાનગી તો જોઈએ !
-કે ખપી જાવું છે મારે વીરમાં
મૌન છું હું,દુશ્મનો પણ સમજી લે
શબ્દને સ્થાપી શકું છું તીરમાં
નગ્નતામાં ક્યાં ખરું સૌંદર્ય હો ?
એ વધુ શોભે ખરેખર ચીરમાં
હું લખું ત્યારે બનું બિલ્લી જુઓ  
કેટલી ગમ્મત પડે છે ખીરમાં !