Friday, August 5, 2011

જનક નાયકની નવી નવલકથા 'અવઢવ'નુ લોકાર્પણ


ગોવાની પાશ્વભૂમાં લખાયેલી શ્રી જનક નાયકની અવઢવ નવલકથા ભાવકને અવશ્ય ગમશે

સુરતઃ સાહિત્‍ય સંગમના ઉપક્રમે શ્રી જનક નાયકની નવલકથા અવઢવનું લોકાર્પણ કરતાં શ્રી ભગવતીકુમાર શર્માએ પ્રમુખસ્‍થાનેથી જણાવ્યું હતું કે, અવઢવ એ જનક નાયકની પ્રયોગાત્‍મક રચના છે. શરૂઆતમાં ધીમા વેગથી ચાલતી આ નવલકથા આગળ જતાં સમુચિત રીતે વેગ પકડે છે. નવલકથાના ત્રણેય પાત્રો એકમેકને સુખી જોવા ઇચ્‍છતા હોવા છતાં આ ત્રણેયને આંતરિક વ્‍યક્તિત્વ છે, સ્‍વત્વ છે. પરિણામે એકમેકને સમજી ન શકવાનો  સંઘર્ષ અહીં દેખાય છે, જે નવલકથાનો આસ્‍વદ્યાત્‍મક મહત્વનો અંશ છે. તેમણે આગળ કહ્યું કે, ગોવાના લોકાલનો જનકે પૂરેપૂરો કસ કાઢ્યો છે, પણ સાથે અવઢવ ગોવાની ગાઈડ પણ ન બની જાય એની પૂરેપૂરી સાવધાની રાખી છે. ગોવાના સ્‍થળવિશેષોનો જનકે પ્રતિકાત્‍મક રીતે બહુ સરસ અને ઉપકારક નીવડે એ રીતે વિનિયોગ કર્યો છે. સૌથી વધુ પ્રશંસનીય પાસું છે નવલકથાનો અંત. આંખોમાં હજારો તારાઓ ઝલમલાતા હતા એ વાક્ય સાથે કથાનો અંત આવે છે, જ્યાં જનક ખરેખરા કલાકાર તરીકે પ્રગટ થયો છે. કલાત્‍મક વાર્તા લખવામાં પ્રગતિ કરી રહેલા જનકનો આ નવલકથામાં પરિચય મળે છે, પ્રતિકો સાથે કામ લેવાની શક્તિનો પણ પરિચય મળે છે. અને મનોવિજ્ઞાનના જાણકાર તરીકેનો પણ પરિચય મળે છે. આ બધાને પરિણામે નવલકથાના વાચકને એવી અવઢવમાં તો ન જ મૂકે કે અમે ખોટી નવલકથા પસંદ કરી છે. શ્રી અશ્વિન દેસાઇએ જણાવ્યું હતું કે, અવઢવ એ આધુનિક ઉપલા મધ્યમ વર્ગની ઘસાતી જતી, ક્ષીણ બની રહેલી દશા વર્ણવે છે. શ્રી નાનુભાઇ નાયકે ઉત્તમ સાહિત્‍યકારે સમાજને, લોકોને, વ્‍યવસ્‍થાને સમજવી પડે એવું જણાવી કહ્યું કે, જનક પ્રબળ પુરુષાર્થથી અને જનમાનસને સમજીને સર્જન કરી રહ્યો છે તેથી જ એ લોકપ્રિય છે. સાહિત્‍યસર્જનમાં ભાષા મુખ્‍ય નથી, પણ ભાવ મુખ્‍ય છે. જનકનાં પૂસ્‍તકોમાં ભાષાવૈભવ નથી, પણ ભાવવૈભવ પ્રબળ પ્રમાણમાં છે. અવઢવમાં કુટુંબની લાગણીઓ તીવ્રતાથી ઝીલાઈ છે. શ્રી રવીન્દ્ર પારેખે અવઢવ નવલકથાનો પરિચય આપતાં જણાવ્યું કે, ગોવાના પ્રવાસની સમાંતરે નવલકથામાં વૈચારિક પ્રવાસ ચાલે છે. નવલકથાનાં ત્રણેય પાત્રો કાપતાં કપાંતાં ચાલે છે. ત્રણેય પાત્રો એકમેકને બહુ પ્રેમ કરે છે એવું માને છે. પણ વર્તનમાં તો એકમેકને લગભગ પિડતા જ રહે છે. નવલકથાનો અંત લેખકે ખુલ્‍લો રાખ્યો છે, એથી નવલકથાને એક નવું પરિમાણ મળ્યું છે. સંવાદોમાં વ્‍યંજનાપૂર્ણ અભિવ્‍યક્તિ કથાનું જમાપાસું છે. નવલકથાના અંતમાં બીચ પરની એક ઘટનાનો લેખકે નાયક સ્‍પંદનનું માનસ બદલવા સૂચક ઉપયોગ કર્યો છે. કોઈક બીજાની જિંદગીનો ઉકેલ નવલકથાનો ઉકેલ બની જાય એમાં સર્જકનો મનોવ્‍યાપાર પમાય છે. જનક નાયકે આ નવલકથા દ્વારા પોતાનો ચીલો પાડવાની કોશિશ કરી છે. તેમણે આગળ જણાવ્યું કે, સમજવાની, આભાર માનવાની વાતો, વિચારોના પ્રવાહને લીધે નવલકથાનું કદ નાનું છે છતાં પ્રસ્‍તારી લાગે છે. ખોટા શબ્‍દપ્રયોગો પણ ક્યાંક દેખાય. છતાં ગોવાના બીચનાં કે દરિયાના કે ચર્ચનાં વર્ણનોમાં લેખકે ઝીણું કાંત્‍યું છે. પાત્રો આઉટ ઑફ ફોકસ થઈ જતાં હશે, પણ નવલકથાનો મુખ્‍ય તંતુ તૂટતો નથી. એ લેખકનું જમાપાસું છે. કન્‍ફેશન બોક્સ લાવીને લેખકે ગોવાનો ઉપયોગ પ્રવાસ ઉપરાંત પ્રતીક તરીકે પણ કર્યો છે. નવલકથામાં વર્ણનો સ્‍થળસૂચક જ નહિ, પણ પાત્રોની મનઃસ્થિતિ પણ વ્‍યક્ત કરે છે. અવઢવ દ્વારા જનક નાયક એક ડગલું આગળ વધ્યો છે એ ચોક્કસ. શ્રી જનક નાયકે પ્રતિભાવમાં જણાવ્યું કે, અવઢવ દેખાય છે એવી સરળ નવલકથા નથી. એમાં અનેક સંકેતો-પ્રતિકો છે, જે નવલકથાના સમજદારીપૂર્વકના બે-ત્રણ વાચન પછી ઊઘડે. તરસ નવલકથા ભાવકોને કેન્‍દ્રમાં રાખીને લખાઈ હતી, પણ અવઢવ ભાવકોની સાથે વિવેચકોનેય કેન્‍દ્રમાં રાખીને લખાઈ છે. નવલકથાની પ્રસ્‍તાવના લખનાર શ્રી પ્રફુલ્‍લ દેસાઇએ લેખકનો પરિચય આપ્યો હતો. સર્વશ્રી નરેશ કાપડીઆ, યામિની વ્‍યાસ, દિલીપ ઘાસવાલા અને ઋચા કાપડીઆએ નવલકથાના અંશોનું પઠન કર્યું હતું.

1 comment:

  1. well, it is a turning point in janak's contribution as a novelist. may he writes more such literary novels !!

    ReplyDelete